અમદાવાદ, 02 નવેમ્બર, 2025 સોમપુરા શિલ્પકળા અને સ્થાપત્ય જેવી અનોખી અને વૈશ્વિક સ્તરે પ્રસંશિત ભારતીય પરંપરા પર આધારીત એક મહત્વપૂર્ણ ગ્રંથનું વિમોચન આજે, રવિવાર, રાત્રે 08:30 કલાકે સોમપુરા કેળવણી કેન્દ્ર, ગાયત્રી પાર્ક સોસાયટી, શાયોના સિટી પાસે, ચાણક્યપુરી, અમદાવાદ ખાતે યોજાયું.
આ ગ્રંથમાં પ્રાચીન ભારતના મંદિર નિર્માણ શાસ્ત્ર, વાસ્તુ સિદ્ધાંત, શિલ્પ–સૂત્રો, તેમજ સોમપુરા સમાજની યોગદાનની વારસાગાથાને સમાવી રાખવામાં આવી છે. સોમપુરા સમાજે સદીઓથી દેશના અનેક પ્રખ્યાત મંદિરો અને ધાર્મિક સ્થાપત્યોના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
સમારોહમાં ગ્રંથના વિમોચન અને આશીર્વાદ માટે પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) ઉપસ્થિત રહ્યા હતા. ભાઈશ્રીએ પોતાના આશીર્વાદ પ્રવચનમાં જણાવ્યું:
“મંદિર માત્ર પથ્થરોનું સંગમ નથી, તે ચેતનાનું નિવાસસ્થાન છે. સોમપુરા શિલ્પીઓએ દિવ્યતાને આકાર આપવાનો અધ્યાત્મિક ધર્મ નિભાવ્યો છે.”
સમારોહમાં સમાજના વરિષ્ઠો, સંશોધકો, આર્કિટેક્ટ્સ, અને અનેક ધાર્મિક-સાંસ્કૃતિક ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
- સોમપુરા સમાજ ભારતના પરંપરાગત મંદિર સ્થાપત્ય અને શિલ્પકલા ક્ષેત્ર સાથે સદીઓથી જોડાયેલો છે.
- દેશના ખ્યાતનામ મંદિરો જેમ કે દ્વારકાધીશ મંદિર, સોમનાથ મંદિર, અક્ષરધામ (ગાંધીનગર), રામ મંદિર (અયોધ્યા – કારીગરી યોગદાન) સહિત અનેક મંદિરોમાં સોમપુરા શિલ્પીઓનું યોગદાન નોંધપાત્ર છે.
- તેમની શિલ્પકળા વાસ્તુશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, અગમ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના સૂત્રો પર આધારિત છે.





