Gujarat Headline News Top Stories

અમદાવાદ જિલ્લામાં વર્તમાન વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર પૂર્ણપણે સજ્જ અને સતર્ક બન્યું

નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે

* શેલાના ઈન્દિરા આવાસના ૩૬ નાગરિકોને શેલા પ્રાથમિક શાળામાં સુરક્ષિત આશ્રય આપી ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી

* સાણંદ-નળસરોવર માર્ગ તથા વિરમગામના વનથલ-જાલમપુરા રોડ પર ધરાશાયી થયેલું વૃક્ષ તાકીદે દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો

** સાણંદ-બાવળા હાઇવે પર માર્ગ અને મકાન વિભાગ અમદાવાદ દ્વારા ડિવાઈડર તોડી પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ

અમદાવાદ જિલ્લામાં વર્તમાન વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર પૂર્ણપણે સજ્જ અને સતર્ક બન્યું છે. પ્રજાજનોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક ધોરણે વિવિધ રાહત અને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી ઈન્દિરા આવાસ યોજનામાંથી ૩૬ જેટલા અસરગ્રસ્ત નાગરિકોને સલામત રીતે ‘શેલા પ્રાથમિક શાળા’ ખાતે ખસેડવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા તેઓને રહેવા તથા ભોજન સહિતની તમામ જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે અને હાલ તમામ નાગરિકો સંપૂર્ણપણે સુરક્ષિત અને કુશળ છે. આ ઉપરાંત, વરસાદના કારણે સાણંદ-નળસરોવર માર્ગ પર તથા વિરમગામના વનથલ-જાલમપુરા રોડ પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બનતાં જ તંત્રની ટીમે સ્થળ પર પહોંચી તાત્કાલિક વૃક્ષને રસ્તા પરથી દૂર કર્યું હતું અને હાલ આ માર્ગ પર વાહનવ્યવહાર પૂર્વવત તથા સુરક્ષિત રીતે શરૂ કરી દેવામાં આવ્યો છે.

વધુમાં સાણંદ-બાવળા હાઇવે ઉપર ડિવાઈડર સુધી પાણી ભરાતા માર્ગ અને મકાન વિભાગ અમદાવાદ દ્વારા ડિવાઈડર તોડી પાણી નિકાલની કામગીરી કરવામાં આવી. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને વરસાદ દરમિયાન સાવચેતી રાખવા અને ઇમરજન્સીની સ્થિતિમાં સરકારી હેલ્પલાઈનનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.