મહેસાણા, 26 મે, 2022:ડીપીએસ મહેસાણા દ્વારા જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવામાં આવે છે તે ‘ઉડાન 2022’ નામના સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પનું 22 મેના રોજસમાપન થયું હતું. તેના સમાપન સમારંભમાં સહભાગીઓ, વાલીઓ અને સ્ટાફના સભ્યો હાજર રહ્યાં હતાં. ડીપીએસ મહેસાણાની સ્પોર્ટ્સ એકેડમીના પ્રોગ્રામ ઇન્ચાર્જ ડૉ. સમીપ શાહે ટીમભાવનાના મહત્ત્વ, હકારાત્મક દૃષ્ટિકોણની સાથે નિષ્ફળતાઓ પર કાબુ મેળવવા તથા રમતગમત દ્વારા શિસ્તનું સંવર્ધન કરવા અંગે વાત કરી હતી. તો ડીપીએસ મહેસાણાના વાઇસ-પ્રિન્સિપાલ સુશ્રી બંદિતા રૉયે વિવિધ ઇન્ડોર અને આઉટડોર પ્રવૃત્તિઓ મારફતે વિદ્યાર્થીઓના સાર્વત્રિક વિકાસના હકારાત્મક પરિણામો અંગે વાત કરી હતી.

આ સમર કેમ્પના પાંચ દિવસ દરમિયાન ગાળવામાં આવેલા યાદગાર સમયના સંભારણા તરીકે સહભાગી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. આ સમર કેમ્પ દરમિયાન ધ્યાન, સૂર્યનમસ્કાર અને યોગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વૉર્મિંગ સેશન બાદ સહભાગીઓને મનોરંજક ગેમ્સ, ઘોડેસવારી, સ્વિમિંગ, ક્રિકેટ, ફૂટબોલ જેવી કેટલીક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. કૂલ ડાઉન સેશન બાદ વિદ્યાર્થીઓને તેમના સ્વાદને અનુરૂપ પૌષ્ટિક અને સંતુલિત આહાર આપવામાં આવ્યો હતો.

રમતગમત મારફતે વિદ્યાર્થીઓ વ્યસ્ત રહી શક્યાં, કંઇક નવું શીખી શક્યાં એ જ વાલીઓ માટે મોટી ઉપલબ્ધિ હતી. તેમને આશા છે કે, આગામી દિવસોમાં આવી જ રોમાંચક પ્રવૃત્તિઓનું વધુને વધુ આયોજન કરવામાં આવશે.