અમદાવાદ, ૫ એપ્રિલ ૨૦૨૬: એશિયા ચેરિટેબલ ટ્રસ્ટ (અમદાવાદ) અને સૌમનસ્ય ટ્રસ્ટ (ચેન્નાઈ) દ્વારા જેજી ઓડિટોરિયમ ખાતે ‘અદ્વૈત અને ઓટિઝમ’ પુસ્તકના ગુજરાતી સંસ્કરણનું વિમોચન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સંગીત ચિકિત્સા અને ભારતીય તત્વજ્ઞાનનો સુંદર સમન્વય જોવા મળ્યો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન અને સરસ્વતી વંદનાથી થઈ.

ત્યારબાદ સૌમનસ્ય ટ્રસ્ટની સ્થાપિકા શ્રીમતી લક્ષ્મી મોહનનો પરિચય આપવામાં આવ્યો. તેમણે ઓટિઝમ ધરાવતા બાળકોના વિકાસ માટે સંગીતને ઉપચાર તરીકે અપનાવ્યું છે. સૌમનસ્ય ટ્રસ્ટના બાળકો દ્વારા “અખંડ ભારતના મહાસંતો” વિષયક સંગીતમય રજૂઆત કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહી. મહાનુભાવોના મંતવ્યો શ્રી એમ.પી. ચંદ્રને જણાવ્યું કે પુસ્તક શિક્ષકો, માતા-પિતા અને સમાજ માટે માર્ગદર્શક સાબિત થશે.

ડૉ. સુભાષ આપ્ટેએ અદ્વૈતનો અર્થ દરેક વ્યક્તિમાં ઈશ્વરનું નિવાસ હોવાનું જણાવ્યું અને ઓટિઝમ ધરાવતા બાળકોમાં આ નિષ્કપટતા જોવા મળે છે એમ કહ્યું. સ્વામી પ્રભુસેવાનંદે આવા બાળકો માટે સંવેદનશીલતા અને યોગ્ય માર્ગદર્શનની જરૂરિયાત પર ભાર મૂક્યો. ‘અદ્વૈત અને ઓટિઝમ’ પુસ્તક સરળ ભાષામાં ઓટિઝમને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સમજાવે છે અને વાલીઓ તથા શિક્ષકો માટે પ્રેરણારૂપ બનશે.





