વહેલી સવારથી શનિદેવ મહારાજના દર્શનાર્થે મોટી સંખ્યામાં શનિભક્તો ઉમટી પડ્યા
અમદાવાદના અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિદેવ મહારાજની જન્મોત્સવની ભારે ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી.વહેલી સવારથી શનિભક્તોએ શનિદેવને તેલ, પુષ્પ, ફૂલહાર અને દિપ પ્રગટાવી પૂજા અર્ચના કરી હતી.સાથે-સાથે કાળું કાપડ, કાળા અડદ, કાળા તલ, કાળી છત્રી, કાળા બુટ ચંપલ અને લોખંડની વસ્તુઓ અર્પણ કરી જીવનની ધન્યતા અનુભવી હતી અને શનિદેવની શુભકૃપા દ્રષ્ટિ અને મહેર હંમેશા બની રહે તે માટે મંગલ કામના કરી હતી.

આ જન્મોત્સવ પ્રસંગે શનિદેવ મંદિરમાં આવેલ શનિદેવની ભવ્ય શીલા ઉપર સરસોના તેલથી મંત્રોચાર સાથે મંદિરના પૂજારીઓ અને શનિભક્તો દ્વારા લઘુરૃદ્રાભિષેક કરવામાં આવ્યું હતું. મંદિરના પટાંગણમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને માનવ સમાજનાં કલ્યાણ અર્થે શનિહવનનું આયોજન કરી આહુતિઓ આપવામાં આવી હતી. સાથે-સાથે બટુક ભોજન અને શનિદેવની ભવ્ય મંગલ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.