અમદાવાદ: વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી અમદાવાદમાં એક ભવ્ય શૈક્ષણિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓપ્ટિમલ મીડિયા સોલ્યુશન્સ (ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને બેનેટ એન્ડ કોલમેનનો એક વિભાગ) દ્વારા પ્રસ્તુત અને જેજી યુનિવર્સિટી દ્વારા પ્રાયોજિત ‘એકેડેમિયા ટાઇમ્સ એજ્યુકેશન એક્સ્પો એન્ડ કોન્ક્લેવ ૨૦૨૬’ નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું છે.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના માનનીય મંત્રી ડો. પ્રદ્યુમન ગાનુભાઈ વાજા (સામાજિક ન્યાય અને સશક્તિકરણ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને શિક્ષણ ક્ષેત્રે આવી રહેલા આધુનિક પરિવર્તનો તેમજ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ નવી તકો વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ એક્સ્પોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને વિવિધ યુનિવર્સિટીઓ, કોર્સીસ, સ્કોલરશિપ અને કરિયર કાઉન્સિલિંગ અંગે સીધું માર્ગદર્શન મેળવવાની ઉત્તમ તક મળી હતી. આ કાર્યક્રમમાં તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ તદ્દન મફત રાખવામાં આવ્યો હતો, અને ડિજિટલ રજીસ્ટ્રેશન માટે ક્યુઆર (QR) કોડની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. એજ્યુકેશન એક્સ્પો અને કોન્ક્લેવના માધ્યમથી અમદાવાદ અને આસપાસના વિસ્તારના સેંકડો વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દીને એક નવી દિશા આપવા માટેનું એક સબળ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું.





