અમદાવાદ : અમદાવાદ ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા સને 2025-26 નું રૂપિયા 705 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓનો ટિકિટ દરમાં ડિસ્કાઉન્ટ જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદ શહેર તથા આસ-પાસના ગામડાઓમાંથી નવા રૂટો શરૂ કરવામાં આવતી માંગણીઓને ધ્યાનમાં લેતાં ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા સૂચવેલ કુલ 1172 બસના ફ્લીટમાં વધુ 100 નવી મીડી એ.સી. સી.એન.જી. બસો ગ્રોસ કોસ્ટ કિલોમીટરથી મેળવીને ફ્લીટની સંખ્યા કુલ 1272 કરવાનું ઠરાવવામાં આવે છે. વર્ષ 2025-26માં કુલ 445 નવી એ.સી. બસોનો ફ્લીટમાં ઉમેરો કરવામાં આવનાર છે. 16માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી અંદાજે રૂ. 8 કરોડ મેળવીને વધુ 4 ઇલેક્ટ્રીક એ.સી. ડબલડેકર બસો કોમ્પ્રીહેન્સીવ મેઇન્ટેનન્સ મેન્યુફેક્ચરર પાસે કરાવવા સાથે ખરીદવાનું ઠરાવવામાં આવે છે. શ્રાવણ માસની જેમ દર શનિવાર અને રવિવારે સ્પેશિયલ રેટથી ધાર્મિક પ્રવાસનું આયોજન કરવાનું ઠરાવવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં ધોરણ 10 પછી સ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ટિકિટ દરમાં 85% ડિસ્કાઉન્ટ આપવાનું ઠરાવવામાં આવે છે. અમદાવાદ શહેરમાં ધોરણ 10 પછી અભ્યાસ કરતાં માતા-પિતા વગરના બાળકો માટે ફ્રી પાસની યોજના શરૂ કરવાનું ઠરાવવામાં આવે છે. અમદાવાદ શહેરમાં રહેતા વિધવા બહેનોને ટિકિટ દરમાં 50% રાહત આપવાનું ઠરાવવામાં આવે છે. ટ્રાન્સપોર્ટ મેનેજરના બજેટમાં મૂકવામાં આવેલ સ્માર્ટ બસ શેલ્ટર પાસે પી.પી.પી. ધોરણે જરૂરિયાત મુજબ સ્માર્ટ ટોઇલેટ તૈયાર કરવાનું ઠરાવવામાં આવે છે.