• વૃંદાવન સ્થિત આચાર્યશ્રી રમેશચંદ્રજી શાસ્ત્રી પોતાની મધુરવાણીમાં કથાનું રસપાન કરાવશે
• એક સપ્તાહ સુધી વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણીમાં ભક્તજનો થશે લીન
• કળશ યાત્રાથી લઇ હવન-પૂજન સુધી દરરોજ વિવિધ માંગલિક પ્રસંગોની ઉજવણી કરાશે
અમદાવાદ, 5 જાન્યુઆરી, 2025: શહેરના અર્બુદાનગરની પાવનભૂમિ પર શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ મહોત્સવ અને 108 કુંડી શ્રી મહાલક્ષ્મી યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ મહોત્સવ અર્બુદાનગર સ્થિત પંચદેવ મંદિર પાસે આવેલા અર્બુદાનગર મેદાન ખાતે તારીખ 6 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી બપોરે 2.30 કલાથી સાંજે 6.30 કલાક સુધી યોજાશે. જેમાં વૃંદાવન સ્થિત આચાર્યશ્રી રમેશચંદ્રજી શાસ્ત્રી પોતાની મધુરવાણીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ મહોત્સવના મુખ્ય યજમાન અખિલ સનાઢ્ય ગૌડ બ્રાહ્મણ સમાજના પંડિત ધર્મેશ રાધેશ્યામ શર્મા અને પંડિત ધીરજ રાધેશ્યામ શર્મા (પ્રમુખ, અખિલ ભારતીય બ્રાહ્મણ પરિવાર, ગુજરાત રાજ્ય) દ્વારા કરવામાં આવ્યું છે, જેઓને અગ્રવાલ સમાજ, ક્ષત્રિય સમાજ, રબારી સમાજ સહિત તમામ જ્ઞાતિ-સમાજનો સહયોગ સાંપડી રહ્યો છે.
કથા મહોત્સવના મુખ્ય આયોજક પંડિત ધર્મેશ રાધેશ્યામ શર્મા અને પંડિત ધીરજ રાધેશ્યામ શર્માએ શહેરના ધર્માનુરાગી ધર્મપ્રેમી ભક્તોને કથાનું શ્રવણ કરવા માટે આમંત્રણ પાઠવતા જણાવ્યું, “પ્રથમ દિવસ, 6 જાન્યુઆરીએ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સવારે 8 વાગ્યે એ/123 હરભોલનાથ પાર્ક ખાતેથી પ્રસ્થાન કરી કથા સ્થળે પહોંચશે. કથા મહોત્સવ દરમિયાન વિવિધ માંગલિક પ્રસંગોની ઉજવણી દરમિયાન ભક્તો ભક્તિમાં લીન થયેલા જોવા મળશે. કથા મહોત્સવ દરમિયાન પ્રથમ દિવસે કળશ યાત્રા, કથા મહાત્મય તથા શુકદેવજી આગમન બાદ 13 જાન્યુઆરી સુધી દૈનિક અનુક્રમે કપિલ અવતાર તથા ધ્રુવ ચરિત્ર, શ્રી પ્રહલાદ ચરિત્ર તથા નૃસિંહ અવતાર, શ્રીરામ અવતાર કથા તથા શ્રીકૃષ્ણ જન્મ મહોત્સવ, શ્રી ગોવર્ધન પૂજા તથા છપ્પન ભોગ, રૂક્મણી મંગલ, શ્રી સુદામા ચરિત્ર તથા શ્રી શુકદેવજી પૂજન અને કથા સમાપનના દિવસે સવારે હવન બાદ મહાપ્રસાદ (ભંડારા)નું આયોજન કરવામાં આવી રહ્યું છે.”
આયોજકોએ વધુમાં જણાવ્યું, “108 અષ્ટોતર સંગીતમયી શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ મહોત્સવ દરમિયાન વ્યાસપીઠ પરથી વૃંદાવન સ્થિત આચાર્યશ્રી રમેશચંદ્રજી શાસ્ત્રી પોતાની મધુરવાણીમાં, સરળ ભાષામાં ભક્તજનોને ભાગવતરૂપી અમૃતમય કથાનું રસપાન કરાવશે. આચાર્યશ્રી રમેશચંદ્રજી શાસ્ત્રીએ અત્યાર સુધી 710 કથાના રસામૃત થકી ભક્તોને ભક્તિમાં લીન કર્યા છે. તેઓએ તમામ ધામ અને વૃંદાવન તેમજ ઋષિકેશ ધામમાં કથાનું રસપાન કરાવ્યા બાદ તેઓ અમદાવાદના અર્બુદાનગર ખાતે તમામ ભક્તોને ભાગવતરૂપી ગંગામાં રસપાન કરાવાવા પધારી રહ્યાં છે.” શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ મહોત્સવમાં શ્યામસુંદર શર્મા, રાજેશકુમાર શર્મા, ધર્મેશકુમાર શર્મા અને ધીરજકુમાર શર્મા મુખ્ય યજમાન તરીકે, ભગવાનદાસ અગ્રવાલ, અશોકકુમાર અગ્રવાલ, અજીતકુમાર અગ્રવાલ અને કેશવકુમાર અગ્રવાલ સહયજમાન તરીકે અને રોહિતસિંહ કુશવાહ ભોજન પ્રસાદી (ભંડારા)ના દાતા તરીકે સેવા આપી રહ્યાં છે.