અમદાવાદ : સમગ્ર ગૌવંશની સેવા, સુરક્ષા અને સન્માનના પવિત્ર ઉદ્દેશ સાથે ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન – ગુજરાત રાજ્ય’ અંતર્ગત અમદાવાદના ઈસ્કોન મંદિર સ્થિત પ્રભુપાદ ભવન ખાતે જનઆહ્વાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય સંતો-મહાત્માઓના આશીર્વાદ અને ગૌમાતાની કૃપાથી યોજાયેલા આ કાર્યક્રમમાં ગૌસેવા, ગૌસંરક્ષણ અને ગૌવંશના સન્માનને લઈને સમાજમાં જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વિવિધ ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા પૂજ્ય સંતો-મહાત્માઓ ઉપસ્થિત રહી ગૌસેવાના મહત્વ અંગે પોતાના વિચારો અને માર્ગદર્શન રજૂ કરશે. જેમાં પૂજ્ય સ્વામી અમૃતાનંદજી (શ્રી કૃષ્ણાયન દેશી ગૌ રક્ષા શાળા, હરિદ્વાર), પૂજ્ય સ્વામી મુકુંદપ્રકાશજી (કૃષ્ણાશ્રય, પાટણ), પૂજ્ય જગતગુરુશ્રી દિલીપદેવાચાર્યજી (શ્રી જગન્નાથ મંદિર, અમદાવાદ) તથા પૂજ્ય શ્રી રામેશ્વરબાપુ હરિયાણી (સમર્થ કથાકાર)નો સમાવેશ થાય છે. આ મહાસંમેલનનો મુખ્ય ઉદ્દેશ ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ તરીકે ઘોષિત કરવા તેમજ ગૌવંશને ‘રાષ્ટ્રીય ધરોહર’ તરીકે માન્યતા આપવાની માગણીને બળવત્તર બનાવવાનો છે.
આ ઉપરાંત સમગ્ર ગૌવંશને યોગ્ય સેવા, સુરક્ષા અને સન્માન પ્રાપ્ત થાય તે માટે સંતસમાજ અને ગૌભક્તો વતી ગુજરાત સરકાર સમક્ષ પ્રાર્થનાપત્ર અર્પણ કરવામાં આવનાર છે. ગૌવંશના સંરક્ષણ અને સંવર્ધનને સામાજિક તથા રાષ્ટ્રીય જવાબદારી તરીકે સ્થાપિત કરવા અને આ અભિયાનમાં વધુને વધુ લોકો જોડાય તેવા આશય સાથે આ જનઆહ્વાન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંગે વાત કરતાં બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી એ જણાવ્યું હતું કે, આ અભિયાન સનાતનીઓ સાથે મળીને સમાજને સાથે જોડીને આ અભિયાન ચલાવી રહ્યા છે.
આપણા હિન્દુ સનાતન ધર્મમાં ગાયોનું સ્થાન ઊંચું છે માત્ર પાંજરાપોળ ચાલવાથી ગાય નહીં બચે, ગૌ માતાને બચાવવા માટે અલગ કાયદો બનાવવામાં આવવો જોઇએ. તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષથી ગૌ સન્માન આહવાન અભિયાન આખા ભારતવર્ષમાં ચાલી રહ્યું છે. અને આ અંતર્ગત ગુજરાતમાં 27 નવેમ્બરે પર્વ મેદાન અડાલજ ખાતે 1 લાખથી વધારે ગૌ ભક્તો એકત્રિત થવાના છે. ગૌ માતાને રાષ્ટ્રમાતા ગૌમંત્રાલયની સ્થાપના કેન્દ્રિત કરવામાં આવે સાથે સંપૂર્ણ ભારતમાં ગૌ હત્યા પર પ્રતિબંધ લાગે તેના અર્થે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીનું મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના બદલ અભિવાદન કાર્યક્રમ પણ રાખેલો છે.





