Gujarat Headline News Top Stories

યુવતી પ્રેરણા શિબિરનો ભવ્ય સમાપન, 300થી વધુ યુવતીઓએ લીધો લાભ

અમદાવાદ પીરાણા, 6 જૂન 2026: અખિલ ભારતીય સનાતન સત્યપંથ મહિલા સંઘ અને સ્ત્રી ચેતના – ગુજરાત (ભારતીય સ્ત્રી શક્તિ સંલગ્ન)ના સંયુક્ત ઉપક્રમે નિષ્કલંકાણી પ્રેરણાપીઠ તીર્થધામ, પીરાણા ખાતે 4થી 6 જૂન 2026 દરમિયાન આયોજિત ત્રણ દિવસીય **“યુવતી પ્રેરણા શિબિર”**નો સમાપન કાર્યક્રમ ભવ્યતા અને ઉત્સાહભેર સંપન્ન થયો.

આ શિબિરમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી 300થી વધુ યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમાં 260 યુવતીઓ ગુજરાત રાજ્યમાંથી જ્યારે બાકીની યુવતીઓ ગુજરાત બહારથી જોડાઈ હતી. શિબિરનો મુખ્ય હેતુ યુવતીઓમાં વ્યક્તિત્વ વિકાસ, આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા અને સાંસ્કૃતિક મૂલ્યોનું સંવર્ધન કરવાનો હતો.

ત્રણ દિવસ દરમિયાન યુવતીઓએ યોગ, પ્રાણાયામ અને ધ્યાનની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન મેળવ્યું. સાથે સાથે ડિજિટલ સાક્ષરતા, અસરકારક સંવાદ કૌશલ્ય, પરિવારના મૂલ્યો, આરોગ્ય અને સ્વચ્છતા જેવા મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાત વક્તાઓએ માર્ગદર્શન આપ્યું.

શિબિર દરમિયાન ડૉ. માયાબેન કોડનાની, શ્રીમતી કલ્પનાબેન વ્યાસ, ડૉ. મીનલબેન રાવલ, ડૉ. આસમાની સુર્વે, ડૉ. ટ્વિંકલ પટેલ, શ્રીમતી સુહાલી તિપરે સહિતના વક્તાઓએ યુવતીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખી પ્રેરણાદાયી પ્રવચનો આપ્યા અને જીવનમાં મૂલ્યનિષ્ઠા, સ્વાવલંબન તથા સામાજિક જવાબદારીના મહત્વ પર પ્રકાશ પાડ્યો.

સમાપન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા. તેમણે યુવતીઓને શિક્ષણ, સંસ્કાર અને આત્મવિશ્વાસના બળથી સમાજમાં આગેવાની લેવા આહ્વાન કર્યું. તેમણે આવા પ્રેરણાત્મક શિબિરો યુવતીઓના વ્યક્તિત્વ ઘડતર અને રાષ્ટ્રનિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે તેમ જણાવ્યું.

કાર્યક્રમના અંતે શિબિરના સફળ આયોજન માટે આયોજકો, માર્ગદર્શકો અને સહભાગી યુવતીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર શિબિર દરમિયાન ઉત્સાહ, શિસ્ત અને સકારાત્મક ઉર્જાનું અનોખું વાતાવરણ જોવા મળ્યું, જેના કારણે આ આયોજન યુવતીઓ માટે યાદગાર અને પ્રેરણાદાયી બન્યું.

Leave a Reply

Your email address will not be published.