Entertainment Gujarat Headline News Special

સાસુ-વહુની નોકઝોક ભૂલાવી દેશે સસરા-જમાઈની ટક્કર! 20 નવેમ્બરે રિલીઝ થશે ‘રફ એન્ડ ટફ કન્યા’

30 વર્ષથી કોમેડી રોલની રાહ જોઈ રહેલા હિતેન કુમાર પ્રથમવાર અનોખા અંદાજમાં જોવા મળશે; પિતા-દીકરીના પ્રેમ, લવ મેરેજ અને બે પરિવારોની રમૂજી ખેંચતાણની કહાની

અમદાવાદ: ગુજરાતી સિનેમામાં અત્યાર સુધી સાસુ-વહુની નોકઝોક અને પારિવારિક તણાવ પર આધારિત અનેક ફિલ્મો જોવા મળી છે, પરંતુ હવે દર્શકોને સસરા-જમાઈ વચ્ચેની અનોખી ટક્કર માણવા મળશે. પિતા-દીકરીના સંબંધો, પ્રેમલગ્ન અને બે પરિવારો વચ્ચે સર્જાતી રમૂજી પરિસ્થિતિઓને કેન્દ્રમાં રાખતી ગુજરાતી ફેમિલી કોમેડી ફિલ્મ ‘રફ એન્ડ ટફ કન્યા’ 20 નવેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

યશ વૈષ્ણવના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં હિતેન કુમાર, રવિ ગોહિલ અને યુક્તિ રાંદેરિયા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની સૌથી રસપ્રદ વાત એ છે કે દીકરીના પ્રેમલગ્નથી નારાજ પિતા પોતાના ભાવિ જમાઈને રોકવા માટે તેના ઘરે જ 30 દિવસ રહેવા પહોંચી જાય છે. ત્યારબાદ શરૂ થાય છે સસરા અને જમાઈ વચ્ચેની હાસ્યસભર ખેંચતાણ.

30 વર્ષથી કોમેડી કરવાની રાહ જોતો હતો: હિતેન કુમાર

ફિલ્મમાં દીકરીના પિતા શિવ પંડિતની ભૂમિકા ભજવતા હિતેન કુમારે જણાવ્યું કે, “‘રફ એન્ડ ટફ કન્યા’ મારા માટે ખૂબ જ ખાસ ફિલ્મ છે. લગભગ 30 વર્ષથી હું કોમેડી કરવા માગતો હતો, પરંતુ મારે માત્ર જોક્સ આધારિત કોમેડી નહોતી કરવી. મને એવી કોમેડી કરવી હતી, જેમાં પરિસ્થિતિઓમાંથી સ્વાભાવિક રીતે હાસ્ય જન્મે.”

તેમણે વધુમાં કહ્યું કે, “આ ફિલ્મમાં એક પિતા પોતાની દીકરીને લઈને ખૂબ જ પઝેસિવ છે, પરંતુ તેની પાછળ દીકરી પ્રત્યેનો પ્રેમ અને ચિંતા છે. આજની પેઢીને બદલવાની જગ્યાએ તેની સાથે તાલમેલ બેસાડવાની જરૂર છે. માતા-પિતા અને સંતાનો વચ્ચે સંવાદ જળવાઈ રહે એ સૌથી જરૂરી છે.”

હિતેન સરની એનર્જીમાંથી ઘણું શીખવા મળ્યું: રવિ ગોહિલ

ફિલ્મમાં રાજવીરનું પાત્ર ભજવતા રવિ ગોહિલે જણાવ્યું કે, “રાજવીર થોડો ગુસ્સાવાળો અને એનર્જેટિક યુવક છે. તે છવીને ખૂબ પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માટે અનેક પડકારોનો સામનો કરે છે. આ દરમિયાન તેને પોતાના ભાવિ સસરા સાથે 30 દિવસ રહેવું પડે છે, જ્યાંથી અનેક રમૂજી પરિસ્થિતિઓ ઊભી થાય છે.”

હિતેન કુમાર સાથેના અનુભવ વિશે રવિએ કહ્યું કે, “હિતેન સર લગભગ 155 ફિલ્મો કરી ચૂક્યા છે, તેમ છતાં સેટ પર તેમની એનર્જી અને પેશન જાણે પહેલી ફિલ્મ કરતા હોય તેવું છે. તેમની પાસેથી શીખવા મળ્યું કે દરેક ફિલ્મને પોતાની પહેલી ફિલ્મની જેમ જ લેવી જોઈએ.”

પિતાની પ્રોટેક્ટિવનેસ પાછળ પણ દીકરી માટેનો પ્રેમ: યુક્તિ રાંદેરિયા

ફિલ્મમાં છવીનું પાત્ર ભજવતી યુક્તિ રાંદેરિયાએ જણાવ્યું કે, “છવી પોતાના પ્રેમ અને સંબંધો અંગે સ્પષ્ટ વિચારો ધરાવતી યુવતી છે. બીજી તરફ તેના પિતા તેને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ છે. ફિલ્મમાં પિતા અને દીકરીની લાગણીઓ તેમજ બંને વચ્ચેના વિચારોનો તફાવત જોવા મળશે. ઘણી વખત પિતાની કડકાઈ પાછળ પણ સંતાન માટેનો પ્રેમ અને ચિંતા છુપાયેલી હોય છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે પરિવાર માટે પિતા અને પુરુષો અનેક બલિદાન આપે છે, પરંતુ ઘણી વખત તેમના યોગદાનની પૂરતી નોંધ લેવાતી નથી. તેમની લાગણીઓ અને સંઘર્ષને સમજવાની પણ જરૂર છે.

સ્વતંત્ર દિગ્દર્શક તરીકે યશ વૈષ્ણવની પ્રથમ ફિલ્મ

દિગ્દર્શક યશ વૈષ્ણવ માટે ‘રફ એન્ડ ટફ કન્યા’ સ્વતંત્ર દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ છે. અગાઉ તેઓ જાણીતા દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક સાથે એસોસિએટ તરીકે કામ કરી ચૂક્યા છે.

ફિલ્મના કોન્સેપ્ટ વિશે યશે જણાવ્યું કે, “અમે પરંપરાગત કોમેડીથી અલગ કંઈક કરવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મનાં દરેક પાત્રની પોતાની ખાસિયત અને અલગ સ્વભાવ છે. કોઈને ગુસ્સાની સમસ્યા છે તો કોઈ OCDથી પીડાય છે. આ બધા પાત્રો એકસાથે આવે ત્યારે કેવી રમૂજી પરિસ્થિતિઓ સર્જાય છે તે દર્શકોને જોવા મળશે.”

તેમના જણાવ્યા અનુસાર, ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ પિતા-દીકરીના સંબંધો અને પેઢી વચ્ચેના વિચારોના તફાવતને હળવા અંદાજમાં રજૂ કરવાનો છે, જેથી આખો પરિવાર સાથે બેસીને ફિલ્મ માણી શકે.

અનન્યા બિરલાનું પ્રથમ ગુજરાતી પ્રોડક્શન

બિરલા સ્ટુડિયોઝ અને બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ અનન્યા બિરલાનું પ્રથમ ગુજરાતી પ્રોડક્શન છે. ફિલ્મનું નિર્માણ બિરલા સ્ટુડિયોઝ સાથે કૃષ્ણદેવ યાજ્ઞિકે કર્યું છે. ગુજરાતી પ્રેક્ષકો સાથે સીધું જોડાણ સ્થાપિત કરવા ફિલ્મનાં પોસ્ટર અને પ્રમોશનલ સામગ્રીમાં પણ ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

ફિલ્મનું ટાઇટલ ટ્રેક જીગરદાન ગઢવી (જીગરા)એ ગાયું છે, જ્યારે સંગીત એન્ડ્ર્યુ સેમ્યુઅલે તૈયાર કર્યું છે. ફિલ્મના બીજા ગીત ‘છવિ’ને ઐશ્વર્યા મજમુદારે સ્વર આપ્યો છે અને તેના શબ્દો ઉજ્જવલ દવેએ લખ્યા છે.

ફિલ્મમાં ફિરોઝ ઈરાની, નીલમ પંચાલ, અનુરાગ પ્રપન્ના અને રાગી જાની સહિતના કલાકારો પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

ટ્રેલરને 1.1 કરોડથી વધુ વ્યૂઝ

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેને સારો પ્રતિસાદ મળ્યો હોવાનો નિર્માતાઓનો દાવો છે. તેમના જણાવ્યા અનુસાર, ટ્રેલરને અત્યાર સુધીમાં 1.1 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે. પ્રતિક ગાંધી, યશ સોની, જાંકી બોડીવાલા, હેલી શાહ, ધર્મેશ, આરોહી પટેલ, કુશલ મિસ્ત્રી, દિવ્યાંગ ઠક્કર અને હંસલ મહેતા સહિત મનોરંજન જગતની અનેક જાણીતી હસ્તીઓએ પણ ફિલ્મને સમર્થન આપ્યું છે.

હવે સાસુ-વહુની જગ્યાએ સસરા-જમાઈની આ નવી કોમેડી દર્શકોને કેટલી પસંદ પડે છે તે જોવું રસપ્રદ રહેશે. ‘રફ એન્ડ ટફ કન્યા’ 20 નવેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published.