Gujarat Headline News Top Stories

અમદાવાદ નિર્ણયનગર યુવક મંડળ દ્વારા ભવ્ય બટુક ભોજન અને સુંદરકાંડ પાઠનું આયોજન

અમદાવાદ, 02 એપ્રિલ 2026: સમાજસેવા, સંસ્કાર અને સાંસ્કૃતિક મૂલ્યોના પ્રસારના હેતુથી નિર્ણયનગર યુવક મંડળ દ્વારા આજે નિર્ણયનગર વિસ્તારમાં વિશાળ બટુક ભોજન અને ભવ્ય સુંદરકાંડ પાઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. યુવક મંડળના આશરે 25 થી વધુ સભ્યોએ સમગ્ર વર્ષ દરમિયાન પોતાની કમાણીમાંથી દર મહિને સેવા અર્થે એક નક્કી હિસ્સો ભેગો કર્યો હતો.

આ ભંડોળને એફ.ડી.માં મૂકી વર્ષની અંતે સામાજિક સેવા માટે ઉપયોગ કરવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રયત્નના ભાગરૂપે આજના આયોજન દ્વારા નિર્ણયનગર તેમજ આસપાસના વિસ્તારોના 1400થી વધુ બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું. આ પ્રસંગે વાત કરતાં પાર્થ ગણપતભાઈ દાવડાએ જણાવ્યું કે, “વર્ષભર સેવા માટે ભંડોળ ભેગું કરવાની અમારી પહેલ સમાજમાં નવો દાખલો સ્થાપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

બાળકોમાં સંસ્કાર, ભક્તિભાવ અને સહઅસ્તિત્વની ભાવનાને વરદારવાનું અમારું મુખ્ય ધ્યેય છે. આજના બટુક ભોજનમાં 1400થી વધુ બાળકોએ પ્રસાદરૂપે ભોજન લઈને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે.” વધુમાં ઉમેરતાં શ્રી સતિષભાઈ પટેલે જણાવ્યું કે, “અમારી સેવા કાર્યની ભાવના એ છે કે સમાજના દરેક ધર્મ અને વર્ગના બાળકોને સમાન રીતે લાભ મળે. આજના આયોજનમાં તમામ સમાજના બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ સેવા યજ્ઞને દર વર્ષે વધુ વિશાળ સ્વરૂપે યોજવાનું અમારું મંડળ સંકલ્પિત છે.”

આ આયોજનમાં સ્થાનિક રહીશો, યુવક મંડળના કાર્યકરો તથા સેવાભાવી લોકોનો વિશેષ સહકાર મળ્યો હતો. ભવ્ય બટુક ભોજન બાદ રાત્રે સુંદરકાંડ પાઠનું આયોજન રાખવામાં આવ્યું, જેમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનું સૌમ્ય વાતાવરણ સર્જાયું. નિર્ણયનગર યુવક મંડળ દ્વારા આવનાર વર્ષોમાં પણ આવા સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમો સતત યોજવાનો નિશ્ચય વ્યક્ત કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.