- અમદાવાદમાં યોજાયેલી મીડિયા કોન્ફરન્સમાં ખેડૂતોનો અવાજ; વધતા જીવાતોના હુમલા, આબોહવા પરિવર્તન અને ઉત્પાદન ખર્ચ સામે આધુનિક ટેક્નોલોજીની જરૂરિયાત પર ભાર
અમદાવાદ, 18 નવેમ્બર, 2026 : ગુજરાતના ખેડૂતોને હવે બે દાયકાથી જૂની બાયોટેક્નોલોજી પૂરતી નથી અને ભારતીય કૃષિને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે નવી પેઢીની જિનેટિકલી મોડિફાઇડ (જીએમ) પાક ટેક્નોલોજી ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો અને ઉદ્યોગના પ્રતિનિધિઓએ બુધવારે નેશનલ ફાર્મર્સ એમ્પાવરમેન્ટ ઇનિશિયેટિવ (એનએફઈઆઈ) દ્વારા અમદાવાદમાં આયોજિત મીડિયા કોન્ફરન્સમાં વિજ્ઞાન આધારિત નીતિ ઘડતર અને આધુનિક કૃષિ ટેક્નોલોજીના ઝડપી અમલીકરણની માંગ કરી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે વર્ષ 2002માં બીટી કપાસને મંજૂરી મળ્યા બાદ ગુજરાત આ ટેક્નોલોજી અપનાવનાર અગ્રણી રાજ્યોમાં સામેલ હતું. કૃષિ મંત્રાલયના આંકડા મુજબ દેશની કપાસની ઉત્પાદકતા 2001-02માં પ્રતિ હેક્ટર 186 કિલોગ્રામથી વધીને 2013-14માં 510 કિલોગ્રામ સુધી પહોંચી હતી. વર્ષ 2002 પહેલાં કાચા કપાસનો આયાતકાર રહેલો ભારત આજે વિશ્વના અગ્રણી નિકાસકાર દેશોમાં સ્થાન ધરાવે છે.

સાબરકાંઠાના સિમરી ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશ પુનમભાઈ પટેલે જણાવ્યું હતું કે , “બીટી કપાસે ભારતીય કપાસ ઉત્પાદનમાં ઐતિહાસિક પરિવર્તન લાવ્યું હતું. પરંતુ આજે ખેડૂતો નવા જીવાતોના હુમલા, અનિશ્ચિત હવામાન અને વધતા ઉત્પાદન ખર્ચનો સામનો કરી રહ્યા છે. તેથી વધુ અસરકારક પાક લક્ષણો અને નવીન ટેક્નોલોજી સુધી ખેડૂતોની પહોંચ જરૂરી બની છે.” નવસારી કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ સંશોધન વૈજ્ઞાનિક અને કપાસ વિભાગના વડા ડૉ. વિજય કુમારે જણાવ્યું હતું કે , “મૂળ પ્રશ્ન ટેક્નોલોજીનો ઉપયોગ કરવો કે નહીં તેનો નથી, પરંતુ તેને વૈજ્ઞાનિક રીતે મૂલવીને ભારતીય કૃષિની જરૂરિયાતોને અનુરૂપ કેવી રીતે જવાબદારીપૂર્વક અમલમાં મૂકવી તેનો છે.” વક્તાઓએ જણાવ્યું હતું કે ભારતમાં હાલમાં બીટી કપાસ એકમાત્ર વ્યાવસાયિક રીતે મંજૂર જીએમ પાક છે અને વર્ષ 2006માં રજૂ કરાયેલ બોલગાર્ડ-II હજુ પણ ખેડૂતો માટે ઉપલબ્ધ નવીનતમ ટેક્નોલોજી છે. બીજી તરફ વિશ્વના અનેક દેશોમાં હવે બોલવોર્મ તેમજ રસ ચૂસતી જીવાતો સામે રક્ષણ અને બહુવિધ હર્બિસાઇડ સહનશક્તિ ધરાવતી નવી પેઢીની કપાસ ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે.
પાટણ જિલ્લાના ચાણસ્માના પ્રગતિશીલ ખેડૂત મુકેશ કાંતિલાલ પટેલે જણાવ્યું હતું કે, “જે ટેક્નોલોજી ખેડૂતોની ઉત્પાદકતા વધારશે અને પાકને સુરક્ષા આપશે, તેને ખેડૂતો જરૂર અપનાવશે. તેના માટે યોગ્ય માહિતી, માર્ગદર્શન અને વિજ્ઞાન આધારિત કૃષિ નીતિ જરૂરી છે.” આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણ મુજબ વર્ષ 2024 દરમિયાન વિશ્વભરમાં 218.71 મિલિયન હેક્ટર વિસ્તારમાં જીએમ પાકોની ખેતી કરવામાં આવી હતી, જ્યારે 1996થી અત્યાર સુધી 73 દેશોએ જીએમ ટેક્નોલોજી અપનાવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)એ પણ જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉપલબ્ધ જીએમ ખાદ્ય ઉત્પાદનો જરૂરી સલામતી મૂલ્યાંકનમાંથી પસાર થયા છે અને માનવ સ્વાસ્થ્ય માટે જોખમરૂપ હોવાનું માનવામાં આવતું નથી. કોન્ફરન્સમાં ઉપસ્થિત નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભારતે વર્ષ 2025માં જીનોમ એડિટિંગ ટેક્નોલોજી આધારિત ચોખાની બે નવી જાતો રજૂ કરી છે, જે દર્શાવે છે કે આધુનિક બાયોટેક્નોલોજી દ્વારા વધુ ઉત્પાદક, પોષણક્ષમ અને આબોહવા-પ્રતિરોધક પાકો વિકસાવવાની મોટી સંભાવનાઓ ઉપલબ્ધ છે.

મહિકોના ચીફ સાયન્સ ઓફિસર અને એલાયન્સ ફોર એગ્રી ઇનોવેશનના વડા ડૉ. ભરત ચારે જણાવ્યું હતું કે , “ભારતના ખેડૂતોને વિશ્વસ્તરની શ્રેષ્ઠ કૃષિ ટેક્નોલોજી પસંદ કરવાની તક મળવી જોઈએ. વિવિધ કૃષિ-આબોહવા વિસ્તારોમાં ફીલ્ડ ટ્રાયલ્સ સતત ચાલુ રહેવા જોઈએ જેથી સુરક્ષિત અને અસરકારક ટેક્નોલોજી નીતિગત મંજૂરી મળતાં જ ખેડૂતો સુધી ઝડપથી પહોંચાડી શકાય.” વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય કૃષિના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિજ્ઞાન આધારિત, પારદર્શક અને અનુમાનિત નિયમનકારી માળખું વિકસાવવું સમયની માંગ છે, જેથી સલામતીના તમામ માપદંડો પૂર્ણ કરતી નવી ટેક્નોલોજી ખેડૂતો સુધી સમયસર પહોંચાડી શકાય અને ખેડૂતોને તેમની જીવનજરૂરિયાતોને અસર કરતી ટેક્નોલોજી અંગેના નિર્ણયોમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે.






