- બાળ આરોગ્ય પ્રણાલીમાં તાજેતરના આવેલા પરિવર્તનથી અવગત કરાવશે “ગુજપીડિકોન 2022”
- ગુજરાત અને ગુજરાત બહારના આશરે 500થી વધુ બાળરોગ નિષ્ણાતો ભાગ લેશે
અમદાવાદ, 16 ડિસેમ્બર, 2022:એકેડમી ઑફ પીડિયાટ્રિક્સ દ્વારાત્રિદિવસીય 48મી એન્યુઅલ સ્ટેટ કોન્ફરેન્સ“ગુજપીડિકોન 2022”નું આયોજન આવશે. જેમાં ગુજરાત અને ગુજરાત બહારના આશરે 500થી વધુ બાળરોગ નિષ્ણાતો ભાગ લેશે. “ગુજપીડિકોન 2022”ના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આરોગ્ય અને પરિવાર કલ્યાણના એસીએસ શ્રી મનોજ અગ્રવાલ (આઇએએસ), ગેસ્ટ ઑફ ઓનર તરીકે સીઆઇએપી 2023ના પ્રેસિડેન્ટ ડૉ. ઉપેન્દ્ર કિંજાવાડેકર, યુનિસેફ ગુજરાતના વડા શ્રી પ્રશાંતા દાસ અને એકેડમી ઑફ પીડિયાટ્રિક્સ, ગુજરાતના પ્રેસિડેન્ટ ડૉ. ચેતન ત્રિવેદી ઉપસ્થિત રહેશે.
આ કોન્ફરન્સ દરમિયાન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ, ગુજરાત 2023ના નવા ચૂંટાયેલા પ્રમુખ તરીકેઅમદાવાદના ડૉ. ચેતન ત્રિવેદીની પદોનિયુક્તિ કરવામાં આવશે.
“ગુજપીડિકોન 2022” પર પ્રકાશ પાડતા એકેડમી ઑફ પીડિયાટ્રિક્સ, ગુજરાતના પ્રેસિડેન્ટ ડૉ. ચેતન ત્રિવેદીએ જણાવ્યું,““ગુજપીડિકોન 2022” દરમિયાન બાળરોગ અને તેની પેટા વિશેષતાના ક્ષેત્રના વિવિધ નિષ્ણાતો અને વરિષ્ઠો તેમની કુશળતા અને નિપુણતાને વધારવા માટે પોતાની વિદ્વતા અને જ્ઞાનને અમારા સાથી સભ્યો સાથે વહેંચશે. એટલું જ નહીં, તેઓ આપણા રાજ્યના બાળકોની સ્વાસ્થ્ય સંભાળને સુધારવા માટે બાળરોગના ક્ષેત્રમાં તાજેતરની પ્રગતિ સાથે માહિતગાર બની પોતાને અદ્યતન બનાવશે. પરિષદમાં બાળ આરોગ્ય, સામાજિક સમસ્યાઓ, કિશોરવયી આરોગ્ય સમસ્યાઓ, જીવનશૈલી સંબંધિત સમસ્યાઓ, નવજાત સમસ્યાઓ અને રસીકરણને લગતા વર્તમાન મુદ્દાઓ પર વ્યાખ્યાનો અને જૂથ ચર્ચાઓની શ્રેણીનો સમાવેશ થાય છે. રાજ્યના આરોગ્ય વિભાગને લગતી સમસ્યાઓ માટે યુનિસેફ, ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પણ સેશન પણ આયોજિત કરવામાં આવશે.”
એકેડેમી ઓફ પીડિયાટ્રીક્સ તેના સભ્યો અને તેમના પરિવારો માટે ક્વિઝ, ક્રિકેટ, યોગા, આરોગ્ય અને ફિટનેસ, ફાઇનાન્સ, મેડિકોલેગલ મુદ્દાઓ સહિત અન્ય ઘણી રમતો અને કૌટુંબિક પ્રવૃત્તિઓ ધરાવે છે.
ડૉ. ચેતન ત્રિવેદીએ વધુમાં જણાવ્યું, “આ વર્ષે એકેડેમી ઓફ પીડિયાટ્રીક્સ દ્વારાત્રિદિવસ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે, જેમાં પ્રથમ દિવસે નવજાત શિશુઓ માટે કાંગારૂ મધર કેર, નવજાત શિશુઓ માટે એડવાન્સ્ડ લાઇફ સપોર્ટ, એન્ટિબાયોટિક પ્રિસ્ક્રિપ્શન અને બાળકોમાં ચેપ જેવા વિવિધ વર્કશોપ યોજાશે, જેમાં નવજાત શિશુઓ અને બાળકોમાં બીમારીઓના પરિણામોને સુધારવા માટે વિવિધ બાળરોગ ચિકિત્સકો અને નર્સિંગ સ્ટાફ હાજરી આપશે. ત્યારબાદ, આગામી બે દિવસ બાળકોમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ સંબંધિત વિવિધ વિષયો પર કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરેન્સને ઇકો ફ્રેન્ડલી રીતે યોજવા માટે માટે પ્રયત્નશીલ છીએ, જેથી આ આયોજન દરમિયાન પ્લાસ્ટિકની પાણીની બોટલ, પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ કરવામાં નહીં આવે, જ્યારે કાગળના બદલે સોફ્ટ કોપી કે ડિજિટલ ડિસ્પ્લે જેવા પર્યાવરણ મિત્ર વિકલ્પોને અનુસરીશું.”
એકેડેમી ઓફ પીડિયાટ્રીક્સ દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાંથી તેમના એસોસિએશનના સભ્યો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. શનિવારે રાત્રે એકેડેમી ઓફ પીડિયાટ્રીક્સ, ગુજરાતના સભ્યો અને તેમના પરિવારોના મનોરંજન માટે સાંસ્કૃતિક કાર્યક્રમોની લાંબી વણઝાર પણ છે, જ્યાં એસોસિએશનના સભ્યો ગાયન, નૃત્ય અને વિવિધ સંગીતનાં સાધનો વગાડવા સાથે ફેશન શોના રૂપમાં પોતાની અંદર રહેલી કલાનું પ્રદર્શન કરશે.
એકેડમી ઑફ પીડિયાટ્રિક્સ ગુજરાત એ ગુજરાત રાજ્યના લગભગ 2200 બાળરોગ નિષ્ણાતોનું સંગઠન છે અને તે 22 શહેરી શાખાઓ ધરાવે છે અને એકેડેમી ઑફ પીડિયાટ્રિક્સ અમદાવાદ તેમાંથી એક છે, જેમાં 550 સભ્યો છે. એકેડેમી ઓફ પીડિયાટ્રીક્સ ન માત્ર તબીબી ક્ષેત્ર સાથે સંબંધિત, પરંતુ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓના વિવિધ ક્ષેત્રો પર પણ કામ કરે છે.
ગુજપીડિકોન એ એકેડેમી ઓફ પીડિયાટ્રીક્સ ગુજરાતની વાર્ષિક રાજ્ય પરિષદ છે. છેલ્લા 48 વર્ષથી તેનું આયોજન દર વર્ષે ગુજરાતના વિવિધ શહેરોમાં કરવામાં આવે છે, જેમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ ગુજરાત બહારથી પણ દર વર્ષે 500થી વધુ બાળરોગ નિષ્ણાતો ભાગ લે છે.