Gujarat Headline News Top Stories

શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ સંઘ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી લગાવવામાં આવેલા આરોપોનો તથ્યાધારિત જવાબ

અમદાવાદ: શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ સંઘના ૮ ટ્રસ્ટીઓ તથા ટ્રસ્ટ સાથે સંકળાયેલા મહેતા, વોરા અને શાહ પરિવારના પ્રતિનિધિઓ દ્વારા આજે અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી, તેમના ઉપર લગાવવામાં આવેલા વિવિધ આરોપોનો તથ્ય આધારિત જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.

પ્રેસ કોન્ફરન્સમાં ટ્રસ્ટીઓએ સ્પષ્ટતા કરી કે અંકિત શ્રેણિકભાઈ મહેતા (પાસા અંતર્ગત ૧૯ માસની સજા ભોગવી ચૂકેલા) તથા જયેશભાઈ મહેતા ને ગત વર્ષે તેમના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને અને સંઘની માનમર્યાદા જળવાઈ રહે તે હેતુસર મહુડી સંઘના સામાન્ય સભ્યપદેથી બરતરફ કરવામાં આવ્યા હતા. તેમ છતાં તેઓ પોતે ટ્રસ્ટી અથવા સભ્ય હોવાનું ખોટું પ્રતિનિધિત્વ આપી, ભક્તોને ગેરમાર્ગે દોરી ટ્રસ્ટની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો.

ટ્રસ્ટીઓએ વધુમાં જણાવ્યું કે વર્ષ ૨૦૧૨માં સંઘના પૂર્વ ટ્રસ્ટી શ્રી રશ્મિભાઈ મહેતા કોન્ટ્રાક્ટર પાસેથી કમિશન લેતા પકડાતા રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ તેમના કુટુંબજન સુનિલભાઈ મહેતા દ્વારા ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓને બદનામ કરવા ૬૫ કિલો સોનાની ચોરીનો આરોપ મૂકી માણસા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ પોલીસ તપાસ બાદ કોઈ તથ્ય ન મળતાં અરજી રદ્દબાત્તલ કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૨૩માં મહુડી તીર્થ ખાતે ભંડારમાંથી ચોરી કરતા નિલેશ મહેતા અને સુનિલ મહેતા CCTVમાં ઝડપાયા હતા, જે અંકિત મહેતા અને જયેશ મહેતાના કુટુંબીજનો હોવાનું જણાવાયું. આ બંને વ્યક્તિઓને ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટીઓએ દાવો કર્યો કે આ કાર્યવાહીનો બદલો લેવા માટે જ હાલના પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્યા છે.

ટ્રસ્ટ ઉપર લગાવવામાં આવેલ ૬૫ કિલો સોનાની હેરાફેરીના આરોપ અંગે ટ્રસ્ટીઓએ જણાવ્યું કે મંદિર સુવર્ણીકરણ માટે ખરીદાયેલ સોનાના કાયદેસર ટેક્ષપેઇડ બિલો ઉપલબ્ધ છે તથા વર્ષ ૨૦૧૭થી ૨૦૨૫ સુધીના ઓડિટેડ રિપોર્ટ્સમાં તેની નોંધ કરવામાં આવી છે. લેબોરેટરી ટેસ્ટિંગ રિપોર્ટ અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સ્પષ્ટતા કરવામાં આવી કે લેબ ટેસ્ટ દ્વારા સોનાની ગુણવત્તા નિર્ધારિત થાય છે, વજન નહીં.

લોકરમાંથી સોનાના દાગીનાંની ચોરીના આક્ષેપ અંગે જણાવાયું કે ટ્રસ્ટના લોકર ખોલવા માટે ત્રણ અલગ-અલગ ટ્રસ્ટીઓ પાસે રહેલી ચાવીઓ જરૂરી છે અને કોઈ એક વ્યક્તિથી લોકર ખૂલવાની શક્યતા નથી.

હાલના ટ્રસ્ટીઓ ગેરકાયદેસર રીતે નિયુક્ત થયેલા હોવાના આરોપના જવાબમાં ૨૦૦૨થી ૨૦૨૦ સુધી દર ત્રણ વર્ષે થયેલી નિયુક્તિઓના દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા, જેમાં અંકિત મહેતા અને જયેશ મહેતાની સમર્થનરૂપ સહી દર્શાવવામાં આવી હોવાનું ટ્રસ્ટીએ જણાવ્યું.

અમદાવાદમાં મકાન/ફ્લેટ ખરીદીના મુદ્દે સ્પષ્ટતા કરતાં ટ્રસ્ટીઓએ જણાવ્યું કે જૈન સાધુ-સાધ્વીજીઓના વિહાર, ગોચરી અને આરામ માટેની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટના નામે જ સંપત્તિ ખરીદવામાં આવી છે અને તેનો ઉપયોગ માત્ર ધાર્મિક તથા ટ્રસ્ટ સંબંધિત કાર્યો માટે જ થાય છે. કોઈ ટ્રસ્ટી કે તેમના પરિવારજનો દ્વારા વ્યક્તિગત ઉપયોગ કરવામાં આવ્યો નથી.

અંતમાં, સમગ્ર ટ્રસ્ટગણ વતી ટ્રસ્ટી શ્રી ભૂપેન્દ્રભાઈ વોરાએ જણાવ્યું કે મહુડી તીર્થ પ્રત્યેની લોકલાગણી, શ્રીઘંટાકર્ણ મહાવીર પ્રભુ પ્રત્યેની અડગ આસ્થા અને સંઘ પ્રત્યેના વિશ્વાસને મજબૂત રાખવા ટ્રસ્ટ પ્રતિબદ્ધ છે. તેમણે જાહેર પડકાર આપ્યો કે ટ્રસ્ટ અથવા કોઈ ટ્રસ્ટી દ્વારા ૧ ગ્રામ સોનાની પણ ઉચાપત અથવા ગેરવહીવટ સાબિત થાય તો તેઓ ટ્રસ્ટના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપવા તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published.