ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પ સાથે સંસ્થાની વિકાસયાત્રાની વિગતો આપી
ગાંધીનગર: ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ)ની 65મી વાર્ષિક સાધારણ સભા ગાંધીનગર ખાતે યોજાઈ હતી. સભામાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, ગુજકોમાસોલ તથા ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, વાઇસ ચેરમેન બિપિનભાઈ પટેલ, જયેશ રાદડિયા સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો અને સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ગુજકોમાસોલની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, ખાતર, દવા અને બિયારણ ક્ષેત્રે સંસ્થા ખેડૂતો માટે મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે. સ્પર્ધાના સમયમાં વેલ્યુ એડિશન અને ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી છે અને ગુજકોમાસોલ આ દિશામાં આગળ વધી રહ્યું છે.
બિયારણ ક્ષેત્રમાં ડુપ્લિકેટ અને ભેળસેળવાળા બિયારણથી નફો કમાવાની પ્રવૃત્તિ સામે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ અને કૃષિ ઇનપુટ્સ મળી રહે તે માટે સહકારી સંસ્થાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે. કૃષિમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે ખેડૂત હોવું ગૌરવની વાત છે.

ગુજરાતમાં સિંચાઈની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. રાજ્યમાં હાલમાં 62.73 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થાય છે અને સિંચાઈની ક્ષમતા વધારવા માટે પણ કામગીરી ચાલી રહી છે. પ્રાકૃતિક ખેતી અંગે પણ મહત્વપૂર્ણ વાત કરતા જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઉત્પાદન ઘટશે તેવી ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે સંશોધન કરવામાં આવી રહ્યું છે અને તેના પરિણામોના આધારે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પ સાથે ગુજકોમાસોલની વિકાસયાત્રા આ પ્રસંગે ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ સંસ્થાની વિકાસયાત્રા અને આગામી આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ સંસ્થામાં ચૂંટાઈને આવ્યા ત્યારે ગુજકોમાસોલની ઓફિસ માત્ર 600 વાર વિસ્તારમાં હતી. ખેડૂતોની સંસ્થા હોય તો તેનું કાર્યાલય પણ ભવ્ય અને યોગ્ય હોવું જોઈએ તેવી ભાવનાથી ગાંધીનગરમાં 5 વિઘામાં ગુજકોમાસોલનું ભવ્ય કાર્યાલય વિકસાવવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, આજે આ ભવનની મુલાકાત દેશભરની વિવિધ સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ લઈ ચૂક્યા છે. ભવનને કોર્પોરેટ લેવલની સુવિધાઓ આપવામાં આવી છે, પરંતુ સંસ્થાની આત્મા સહકારી જાળવી રાખવામાં આવી છે. દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, ગુજકોમાસોલનું ટર્નઓવર આશરે 200 ટકા વધીને રૂ. 11,479 કરોડ સુધી પહોંચ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના **‘સહકારથી સમૃદ્ધિ’**ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં સહકારી ક્ષેત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. ટેકાના ભાવે ખરીદી અંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવતી ખરીદીનો સીધો લાભ ખેડૂતોને મળે છે. સંસ્થા દ્વારા થતી કામગીરીમાંથી મળતા લાભનો હિસ્સો ખેડૂતો સુધી ડિવિડન્ડના સ્વરૂપે પહોંચાડવામાં આવે છે.

આ રીતે સહકારી સંસ્થા ખેડૂતોના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. મહેસાણા ખાતે એગ્રી લોજિસ્ટિક પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે, જેને ટૂંક સમયમાં ખુલ્લો મૂકવામાં આવશે. સાથે જ ગાંધીનગરમાં ગુજકોમાસોલ દ્વારા ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. ગુજકોમાસોલનું ઐતિહાસિક નાણાકીય પ્રદર્શન સભામાં વર્ષ 2025-26ની સંસ્થાની કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ગુજકોમાસોલે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ રૂ. 11,479 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે. સંસ્થાનો ગ્રોસ પ્રોફિટ રૂ. 152.63 કરોડ રહ્યો છે, જ્યારે કરવેરા બાદ આશરે રૂ. 60 કરોડનો નફો નોંધાયો છે. ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતા ચાલુ વર્ષે 20 ટકા ડિવિડન્ડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સંસ્થાના રિઝર્વ અને અન્ય ફંડમાં રૂ. 61.88 કરોડનો વધારો થયો છે અને રિઝર્વ ફંડ વધીને રૂ. 216 કરોડ થયું છે.

ખાતર, બિયારણ અને ટેકાના ભાવે ખરીદીમાં મોટી કામગીરી ગુજકોમાસોલ દ્વારા ચાલુ વર્ષે કુલ 17.59 લાખ મેટ્રિક ટન ખાતરનું વિતરણ કરવામાં આવ્યું છે. બિયારણ વિભાગ દ્વારા ખેડૂતોને રૂ. 114.79 કરોડનું શુદ્ધ અને સર્ટિફાઇડ બિયારણ પૂરું પાડવામાં આવ્યું છે. ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદીમાં પણ અત્યાર સુધીની સૌથી મોટી કામગીરી કરવામાં આવી છે. ગુજકોમાસોલ દ્વારા રૂ. 8,680 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોના ઉત્પાદનો માટે ‘ગુજકો’ બ્રાન્ડ ખેડૂતોના ઉત્પાદનોને દેશ-વિદેશના બજારો સુધી પહોંચાડવા માટે ‘ગુજકો’ નામની નવી બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી છે. ખેડૂતોના ઉત્પાદનોને વધુ મોટું બજાર મળે તે માટે આ માધ્યમથી માર્કેટિંગની વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છે. ‘ગુજકો મોલ’ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ, વડોદરા, સુરત અને જામનગર સહિત કુલ 7 મોલ કાર્યરત કરવામાં આવ્યા છે.
આગામી સમયમાં અન્ય શહેરોમાં પણ તેનો વિસ્તાર કરવામાં આવશે. લાંબા ગાળે ગુજરાતમાં 250 ગુજકો મોલ બનાવવાનું આયોજન હોવાનું દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું. આધુનિક ટેકનોલોજી અને કર્મચારીઓના હિતમાં નિર્ણયો ખેતીમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા રાજ્યભરમાં ડ્રોન ટેકનોલોજી અંગે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 15 હજારથી વધુ એકર વિસ્તારમાં ડ્રોન દ્વારા છંટકાવ કરવામાં આવ્યો છે. કર્મચારીઓના હિતમાં પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા ગુજકોમાસોલના કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરવાનો નિર્ણય બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે. ગુજકોમાસોલની 65મી વાર્ષિક સાધારણ સભામાં રજૂ થયેલા આ આંકડા સંસ્થાની મજબૂત બની રહેલી આર્થિક સ્થિતિ, વિસ્તરતી કામગીરી અને ખેડૂતોને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતી સહકારી પ્રવૃત્તિઓની દિશાને ઉજાગર કરે છે.





