Entertainment Gujarat Headline News Special Top Stories

હિતેન કુમાર અભિનીત ફિલ્મ “વેલકમ ટૂ પૂર્ણિમા” સિનેમાઘરોમાં રિલીઝ

• હિતેન કુમાર ઉપરાંત હેમ સેવક અને માનસી રાચ્છ મુખ્ય ભૂમિકાઓમાં

• “વેલકમ ટૂ પૂર્ણિમા” રોમાંચક ડ્રામા અને થ્રિલર ફિલ્મ

• પૂર્ણિમા કોણ છે અને તે આત્મા / ભૂત બનીને પરિવારની શું સ્થિતિ કરશે?

25 મે, 2023, અમદાવાદ: ‘વેલકમ પૂર્ણિમા’નું ટિઝર અને ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ દર્શકોમાં આ ફિલ્મને લઈ ઉત્સુકતા વધી ગઈ હતી. દર્શકો રાહ જોઈ બેઠા હતા કે, આ ફિલ્મ થિયેટોરમાં ક્યારે રિલીઝ થશે ? હવે આ જોવાઈ રહેલી રાહનો અંત આવી ગયો છે. હિતેન કુમારની ફિલ્મ તારીખ 25 મેના રોજ થિયટોરમાં રિલીઝ થઈ ગઈ છે. ઋષિલ જોશી દ્વાર નિર્દેશિત વેલકમ પૂર્ણિમા રોમાંચક ડ્રામા અને થ્રિલર ફિલ્મ છે. ભરત સેવક તથા જીગ્ના સેવક ઠાકર ફિલ્મ નિર્માતા છે.

આ ફિલ્મમાં હતેન કુમાર માનસી રાચ્છ અને હેમ સેવક મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અમદાવાદમાં પીવીઆર- થલતેજ ખાતે ફિલ્મનો ખાસ પ્રીમિયર શો યોજાયો હતો જેમાં, ફિલ્મની સ્ટારકાસ્ટ હિતેન કુમાર, માનસી રાચ્છ, હેમ સેવક, જ્હાન્વી ગુરનાની તથા બિન્દા રાવલ ઉપસ્થિત રહ્યાં હતા. ફિલ્મની સ્ટોરીલાઇન વિશે વાત કરીએ તો આ ફિલ્મમાં “અંધારિયા મેરેજ બ્યુરો” ચલાવતાં હિંમતલાલ અંધારિયા (હિતેન કુમાર દ્વારા અભિનીત)ની વાત છે, જેમણે અત્યાર સુધી 999 યુવક- યુવતીઓના લગ્ન કરાવ્યા છે પરંતુ તે પોતાના પુત્રના જ લગ્ન કરાવી શકતા નથી. તેમના પુત્રનું નામ છે યુગ અંધારિયા (હેમ સેવક દ્વારા અભિનીત). તે પોતે એક નોવેલ રાઇટર છે જેમણે અત્યાર સુધી ઘણીબધી નોવેલ લખી છે અને હાલમાં એક હોરર નોવેલ લખી રહ્યાં છે.

નાનપણથી જ પાસેની શેરીમાં ઉછરેલી યુવતી કથા (માનસી રાચ્છ દ્વારા અભિનીત) જે યુગને ભરપૂર પ્રેમ કરે છે પરંતુ યુગ તેમના પ્રેમમાં નથી. હિંમતલાલ અંધારિયા લગ્ન માટે પુત્ર યુગ ઉપર દબાણ આપે છે કે જેથી તેમના મેરેજ બ્યુરોના બિઝનેસ પર આંચ ના આવે અને આ પ્રેશરથી જ એક દિવસ યુગ એક યુવતી સાથે લગ્ન કરીને આવે છે અને પોતાના પિતાને કહે છે કે હું જેને પરણ્યો છું એ તમને દેખાશે નહિ, ના કે એની વાતો તમને સંભળાશે કારણકે એ કોઈ જીવિત વ્યક્તિ નથી અને એનું નામ છે “પૂર્ણિમા”. એ એક આત્મા છે. જયારે પૂર્ણિમા આત્મા / ભૂત બનીને આવે છે અને પરિવારની જે સ્થિતિ બને છે તે તો આ ફિલ્મ થકી જ જોવું રહ્યું.

ઋષિલ જોશી દ્વારા નિર્દેશિત આ ફિલ્મના લેખક છે ચેતન દૈયા. સુપર સ્ટાર એક્ટર હિતેન કુમાર ઉપરાંત આ ફિલ્મમાં હેમ સેવક કે જેમની આ ડેબ્યુ ફિલ્મ છે, માનસી રાચ્છ, જ્હાન્વી ગુરનાની, બિન્દા રાવલ, ઈથાન વડે, યામિની જોશી, મૌલિક ચૌહાણ, ચેતન ધનાની, ભારત ઠક્કર વગેરે પણ મહત્વની ભૂમિકા નિભાવતા નજરે પડશે. ફિલ્મના આર્ટ ડિરેક્ટર છે વિનાયક હોજગે, જેમણે આ અગાઉ સંજય લીલા ભણશાળીની ફિલ્મો રામલીલા, બાજીરાવ મસ્તાની વગેરેમાં આર્ટ એસોશિએટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે અને આ ફિલ્મ દ્વારા તેઓ ગુજરાતી ફિલ્મીજગત ક્ષેત્રે આર્ટ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મના સિનેમોટોગ્રાફર સુમન સાહુ, ક્રિએટિવ ડિરેક્ટર અજિત ભૈરવકર, એડિટર સંજય સાંકલા, મ્યુઝિશ્યન્સ સંજીવ રાઠોડ તથા દર્શન રાઠોડ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક બાપ્પી ભટ્ટાચાર્ય, સાઉન્ડ એન્જીનીયર સુબીર દાસ તથા કોસ્ચ્યુમ ડિઝાઈનર જાગૃતિ પરમાર અને અમીલ મેકવાન, એક્ઝેક્યુટીવ પ્રોડ્યુસર મનોજ આહીર છે. નોંધનીય છે કે આ ફિલ્મનું શૂટિંગ 30 દિવસ સુધી ગુજરાતના વસો ગામ ખાતે 300 વર્ષ જૂની હવેલીમાં કરવામાં આવ્યું છે. 25મી મે, 2023ના રોજ રિલીઝ થયેલ ફિલ્મ “વેલકમ ટૂ પૂર્ણિમા” દર્શકોને આકર્ષવા માટે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published.